Friends will share with you some information and ghazals in Gujarati.Ghazals isthat experience which have soothing melody,emotions,It itself have language of love and beauty. the sentiments, emotions and words form a ghazal, here i am trying to give u little informations of gujarati ghazalkar(poet)Hope you all will like it.
Tuesday, August 9, 2011
Ramesh Parekh
~ જળને કરું જો સ્પર્શ તો… ~
જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું ?
પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે
સરનામું ખાલી શહેરનું, ખાલી મકાનનું
આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું
પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું…
ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાંનાં પક્વ ફળ
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?
આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે
એમાં રમેશ, આવ્યો છું સપનાંની જેમ હું
~ લખો ~
આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો
ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો
ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્ર્નનો જવાબ લખો
ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો
લખો, લખો કે છે, તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો
આ કાળા પાટિયાનો બીક કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો
~ હસ્તાયણ ~
હાથ સૂમસામ બની મેજ પર પડેલા છે
અસંખ્ય ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે
આ મારા હાથમાં દમયંતીપણું શોધું છું
મેં મૃત મત્સ્ય અહીં એકઠાં કરેલાં છે
રેશમી વસ્ત્રની માફક ઢળી પડ્યા નીચે
હાથને ખીંટીએ ટિંગાડવા ક્યાં સહેલા છે?
અડે અડે ત્યાં ઉઝરડા પડે છે સપનાંને
હાથને ટેરવાં સાથે જ નખ મળેલા છે
આંગળી નામની પાંચે છિનાળ પુત્રીએ
સળંગ હાથને બેઆબરૂ કરેલા છે
કોઈના હાથને પસવારે હાથ કોઈનો
તો થાય: મારા હાથ આ જ છે કે પેલા છે?
એક તો હાથનું પોત જ છે સાવ તકલાદી
ને એમાં હસ્તરેખાઓના સળ પડેલા છે
આ મારા હાથને હમણાં જ ગિરફતાર કરો
કે તેણે તોપનાં મોં જીવતાં કરેલાં છે
આ હાથ છે ને એના પૂર્વજોય હાથ હતા
આ વંશવેલા ઠેઠ મૂળથી સડેલા છે
ખભાથી આંગળી સુધીના સ્ટેજ પર આ હાથ
હાથ હોવાનો અભિનય કરી રહેલા છે
હે મારા હાથ, આ દમયંતીવેડા ફોગટ છે
મત્સ્ય જીવે છે અને જળ મરી ગયેલાં છે
આ હાથ સૌથી ખતરનાક બોમ્બ છે તોપણ
એ સાવ કાચની પેઠે ફૂટી ચૂકેલા છે
રમેશ, હાથતાળી દઈ ગયો ભીનો સાબુ
ને હાથ ઝાંઝવાને સ્પર્શવાથી મેલા છે
~ રમેશ પારેખ ~
એક પછી એક ઊંચકે પરદા રમેશ
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ
શું કહ્યું, સમજ્યો નહીં, સૉરી સનમ
મારા મનમાં ચાલે છે હમણાં રમેશ
મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે
એમ કાગળ પર કરે દરિયા રમેશ
દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
જીવ કરતો પેટમાં જલસા રમેશ
આ સદીમાં હોવું યાને ધન્યતા
આ સદીની ગુજરાતી ઘટના રમેશ
~ રમેશમાં ~
શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં
મળતા નથી રમેશના રસ્તા રમેશમાં
ગુલમ્હોર પણ લટાર કદીક મારતા હશે
એનાં હજુયે ટમટમે પગલાં રમેશમાં
ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે
એમ જ મળે રમેશનાં સપનાં રમેશમાં
અર્ધો રમેશ કાળા અનાગતમાં ગુમ છે
અર્ધા રમેશના છે ધુમાડા રમેશમાં
આખ્ખુંય રાજપાટ હવે સૂમસામ છે
કારણ કે મૃત્યુ પામ્યો છે રાજા રમેશમાં
ફરતું હશે કોઈક વસંતી હવાની જેમ
આજે ઝૂલે છે એકલાં જાળાં, રમેશમાં
ઈશ્વર, આ તારી પીળી બુલંદીનું શું થશે ?
ખોદ્યા કરે હમેશ તું ખાડા રમેશમાં
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં
~ અનિલને ~
મીરાં નદીની તું નહેર, અનિલ
ને રણ ફૂંકાય ઘેર ઘેર, અનિલ
ભરાતું શ્વાસના કટોરામાં
એનું એ રિક્તતાનું ઝેર, અનિલ
આંધળો હાથ મારો ક્યાં ચીંધું
તારો મેવાડ ઠેર ઠેર, અનિલ
ઝાંઝવા એમ નહીં બને ઝરણું
ગમે તે ચશ્માં તું પહેર, અનિલ
હોઠમાં કાલસર્પયોગ અને
વક્ષની વચ્ચે કાળો કેર, અનિલ
ભૂખી દીવાલો ભક્ષ્ય માગે છે
સ્વપ્નનાં મસ્તકો વધેર, અનિલ
લબાચા જેવાં આપણાં કાંડાં
ને શબ્દ નીકળ્યા ડફેર, અનિલ
પ્રેમનો એક ટાપુ છે જેની -
રાજધાનીનું તુ શહેર, અનિલ
શ્યામ, આદિલ, મનોજ, હું, ચિનુ
છીએ એક જ ગઝલના શેર અનિલ
~ કરી જોઉં ~
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં
શા માટે બાંધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ
રહેતું’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાર્થના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.
~ આ મનપાંચમના મેળામાં ~
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે
અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે
કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે
કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે
કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે
કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે
કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે
કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે
આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે
~ ફરી ઘર સજાવ તું ~
તારાં જ છે તમામ, ન ફૂલોનાં પૂછ નામ, ગમે તે ઉઠાવ તું
લૂછી લે ભીની આંખ, ન દરવાજા બંધ રાખ, ફરી ઘર સજાવ તું
આંસુભર્યા રૂમાલ સૂકવવાની આજકલ ઋતુ છે શહેરમાં
પંપાળ મા તું ઘાવ, ઢળેલી નજર ઉઠાવ, નજર ના ઝુકાવ તું
સપનાંનો ભગ્ન અંત નવેસરથી આ વસંત લખે છે કૂંપળ વડે
કૂંપળ છે તારી મિત્ર ને દોરે છે તારું ચિત્ર, ન ચહેરો છુપાવ તું
અચરજ છે એ જ એક કે સર્વત્ર મ્હેક મ્હેક મધુરપનો મોગરો
થોડી ક્ષણોને ચૂંટ કે આખોય બાગ લૂંટ ને ઉત્સવ મનાવ તું
હોઠે થીજેલ શબ્દ ને લોહીનાં વ્હેણ સ્તબ્ધ-શું આ આપણે છીએ?
તારો છે હક કે માગ, અનાગતની પાસે રાગ ને મહેફિલ જમાવ તું
બેઠો ર.પા. ઉદાસ અને એની આસપાસ તું ટોળે વળી ગઇ
ના ચૂપચાપ તાક, ને ભીતર જરાક ઝાંક, છે એનો અભાવ તું
~ તારી ને મારી વાત ~
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.
~ હાથને ચીરો તો ગંગા નીકળે ~
હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.
બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.
કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.
સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.
એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.
દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.
વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.
માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.
ર નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.
~ યાદ ~
મારા જ ઘરમાં આવે મને મારા ઘરની યાદ
આવે ને આમ કોઇને કારણ વગરની યાદ
બાઝી ગયાં છે નકશાનાં જાળાંઓ આંખમાં
સચવાઇ રહી છે આમ તમારા નગરની યાદ
ચીલા મૂકી ગયાં તમે મારા વિચારમાં
તમને નથી હવે એ તમારી સફરની યાદ
ખરતી રહે છે આંગળી અક્ષર ક્ષણે ક્ષણે
આવે છે ટેરવાંને કઇ પાનખરની યાદ
શબ્દોમાં તરતી સાંજનું ખાલીપણું જુઓ:
આવે છે કોઇ દીવા વગરના ઝુમ્મરની યાદ ?
~ આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… ~
આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં
આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં
ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું નહીં ડુબાવી દે, કહેવાય નહીં
સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં
દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું પગલું ભટકાવી દે, કહેવાય નહીં
ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં
~ સૃષ્ટિ છે એક કોયડો ~
સૃષ્ટિ છે એક કોયડો ને અણઉકેલ છે
જાણ્યું તો જાણ્યું એ કે તે દુર્ભેદ્ય જેલ છે
છે પગ તળે પથ્થર તરફ લઇ જાતા માર્ગ, ને
લોકો ખુદાના નકશા લઇ નીકળેલ છે
ઉઘરાવી ઝેર, વ્હેંચે છે ખૈરાતમાં અમી
- એવું અમે તો સંત વિષે સાંભળેલ છે
ચહેરો વીછળતી જેના વડે મારી જિંદગી
એ જળને મૂળસોતાં સૂરજ પી ગયેલ છે
જે કહેતું’તું - કરીશ તારા જીવમાં મુકામ
એ પંખી એનો વાયદો ભૂલી ગયેલ છે
પહોંચ્યા છે તરસ્યા પ્રાણ સરોવર સુધી, રમેશ
કોને કહું કે એ બધું જળ ચીતરેલ છે !
~ વહેમવાળી જગા ~
હથેળી બહુ વહેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.
હવે પાંપણોમાં અદાલત ભરાશે
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે
મને આ નગરમાં નિરાધાર છોડી
-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે
છે આકાશમાં છે, અને આંખોમાં પણ છે
સૂરજ માટે ઊગવાના સ્થાનો ઘણાં છે
પહાડો ઊભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા, નદીઓની પેઠે વહ્યા છે
મને ખીણ જેવી પ્રતીતિ થઇ છે
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે
ગઝલ હું લખું છું અને આજુ-બાજુ
બધા મારા ચહેરાઓ, ઊંઘી રહ્યા છે
~ કાગડો મરી ગયો... ~
સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો
નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો.
આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ, કાગડો મરી ગયો.
શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?
ગમે તે અર્થ ઘટાવ, કાગડો મરી ગયો.
શું કામ જઇને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો.
અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને - કાંવ...કાંવ કાગડો મરી ગયો.
સદાય મૃતદેહ ચૂથી કોને એમાં શોધતો?
લઇ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો.
લ્યો કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ : ‘કાગડો મરી ગયો’...
રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા....
You sotp…stop…stop…now કાગડો મરી ગયો.
~ સાત રંગના સરનામે ~
સાત રંગના સરનામે ના તું આવી, ના હું આવ્યો
ના ઘર ઊઘડ્યાં સામે સામે, ના તું આવી, ના હું આવ્યો
તુ કેશ સૂકવતી રહી તડકે, હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં
બહુ વ્યસ્ત રહ્યાં અંગત કામે, ના તું આવી, ના હું આવ્યો
કેવા દુખિયારા ગર્વ વડે ખરબચડી ઉંમર પંપાળી ?
શું કામ હતું બીજું આમે ? ના તું આવી, ના હું આવ્યો
ના સાંજની બેઠી સોગઠીઓ, ના કોડી ઊછળી સપનાંની
ચોપાટ રમ્યાં ડામે ડામે, ના તું આવી, ના હું આવ્યો
એક વાતનું પુંકેસર તૂટ્યું, એક ડાળ તૂટી ગઇ શબ્દોની
એક મજિયારા મનના નામે, ના તું આવી, ના હું આવ્યો
~ વૃત ગઝલ ~
છેલ્લે ખિસ્સામાં તપાસ કરતાં થોડા ચણા નીકળે,
એ રીતે પણ ક્યાં રમેશ ઘરમાં ખુલ્લી જગા નીકળે?
ગીચોગીચ ગલી અવાજ ઘટના ટોળાં અને માણસો,
છે કોની મગદૂર આ નગરથી સાજાસમા નીકળે?
આ મારું ઘર હોય જો ઘર નહીં ને શુષ્ક ખબોચિયું,
તો એમાં વરસાદ ક્યાંક વરસ્યા જેવી બિના નીકળે.
રસ્તાઓ રઝળ્યા કરે નગરમાં મંજાર સર્પો સમા,
ને એની ચપટીય કોઇ ઘરમાંથી ના દવા નીકળે.
પોતાનાં મુઠ્ઠીક સ્વપ્ન લઇને આ કાફલા જાય છે,
એની અંતરિયાળ લૂંટ કરવા રસ્તા બધા નીકળે.
ડુચ્ચા તાબડતોબ રીતસરના વેરાય એના, રમેશ,
ડૂમો જો ક્યારેક આ નગરમાં આંસુ થવા નીકળે.
~ થયો ~
તું પવનમાંથી સમેટાયો ને ઝીણું બી થયો
બાદ કૂંપળ, વૃક્ષ, ઠૂંઠું ને પછી ખુરશી થયો
તું ઉઘાડેછોગ ખર્ચાઇ ગયો રસ્તા ઉપર
છેવટે તરો મરેલો પગ સખત ગિરદી થયો
જીવ ફસડાયો, ઉતરડાયો ને ફાટ્યો ઠેરઠેર
થીંગડા તેં સ્વપ્નનાં માર્યાં અને દરજી થયો
તેં પવન મુઠ્ઠીમાં લેવા હાથ લંબાવ્યા અને
હાથ લંબાતા રહ્યા ને તું પવનચક્કી થયો
ઊડવાનું મન, પરંતુ પાંખ નહિ, તેથી સ્તો-
નામ પોપટલાલ તેં રાખ્યું અને પંખી થયો
વેશ તેં પહેર્યો તો છ અક્ષરનો કિંતું હે રમેશ
એ નપાવટ બેવફા પણ કેટલો જલદી થયો
~ EPIDEMIC ~
જૉયું ને ઊઠ્યો ને ચોંક્યો ને કૂધો ને નાઠો રે નાઠો
મારામાંથી એક મારો જ ભયભીત ફાંટો રે ફાંટો
આતંક આતંક ઘરમાં ગલીમાં ને આખા નગરમાં
પડે ધ્રાસ્કો કંઠમાંથી કે ગાયબ છે ઘાંટો રે ઘાંટો
તરસમાં બધા હાથ રઘવાતા રઘવાતા રઘવાઇ બેઠા
હથેળીમાં વીરડાઓ ગાળ્યા; નથી જળનો છાંટો રે છાંટો
અને ઘાવ પ્રસર્યા વિચારોમાં એવી તો કરપીણ ઝડપે
ન શ્રદ્ધા, ન પીડા, ન મૃત્યુ, ન ઔષધ, ન પાટો રે પાટો
હજુ ઘેનમાં લંગડા લંગડા શ્ર્વાસ લવક્યા કરે છે
આ ચહેરાના જંગલમાં વાગ્યો’તો સોનેરી કાંટો રે કાંટો
થયો છે કચરઘાણ કેવો અકસ્માત હરએક જણમાં
છે સૌ પાસે પોતાનું ગંધાતુ શબ: કોઇ દાટો રે દાટો
~ ન મોકલાવ ~
આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ન મોકલાવ
ખાલી થયેલા ગામમાં જાસો ન મોકલાવ
ફુલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ, કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
~ પાંખ હોવાપણું જ ~
પાંખ હોવાપણું જ લોહીમાં છવાયું છે
પરંતુ આભને ક્યારે અતિક્ર્માયું છે ?
આ શુષ્ક ડાળનું સપનું વસંતને આવ્યું
બધું વસંતપણું ત્યારથી સુકાયું છે
કદી અતીતના ફણગા ફૂટે છે ડાળી પર
પડે છે ઝાડ એ રીતે રડી પડાયું છે
તમારે મોલ હું દુષ્કાળ લઇને આવ્યો છું
કશું જ નહોતું છતાં આટલું લવાયું છે
ખૂંચી ગયો છે ચરણમાં અભાવ રસ્તાનો
નથી ખબર કે અહીં કઇ રીતે અવાયું છે
~ એક્બે એકબે એકબે એકબે ~
અરે, મારા આ હાથ છે જડભરત ને ઉપર આંગળીઓ અભણ, એકબે
હું જીવતા મનુષ્યો ગણું તો આ આખ્ખા નગરમાં મળે માંડ જણ એકબે
ઉઝરડા ઉઝરડા અને લોહીલુહાણ આખ્ખાય જીવતરનાં કારણ છે શું?
મેં ફૂટપાથ પર એક જોશીને પૂછ્યું તો એણે કહ્યું કે : ‘સ્મરણ એકબે’
પરબ કઇ તરફ છે, પરબ કઇ તરફ છે ? તરસથી હવે લોહી ફાટી પડે
નજરમાંથી રણ સહેજે ખસતું નથી ને આ હાથોમાં છે ફક્ત ક્ષણ એકબે
ભટકતાં ભટકતાં, બટકતાં બટકતાં પહોંચ્યો હું મારા અનાગત સુધી
અપેક્ષાઓ રાખી હતી ધોધની ત્યાં મળ્યાં માંડ સુક્કાં ઝરણ એકબે
‘છે અહીં લીલું જંગલ ને ઝરણાં ને પંખી ને કલરવમાં પલળી ગયેલો રમેશ :’
ભીંતે આમ પંક્તિ લખીને હજુયે હું જોઉં (છબીમાં) હરણ એકબે
મેં રસ્તાઓ બદલ્યા, મકાનો બદલ્યાં ને બદલ્યાં શહેરો ને ચહેરા, રમેશ
મરણની લગોલગ ગયો તે છતાંયે ન સાચાં પડ્યાં સ્વપ્ન પણ એકબે
~ તમને ~
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પહોંચો પણ
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને
ખજૂરી જેટલો છાંયો મળે - એ સિક્કાની
બીજી બાજુય છે એવી કે, રણ મળે તમને
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો
અહીં અભાવનું વાતાવરણ મળે તમને
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે
તમારા કલૈબ્યનું વાજીકરણ મળે તમને
~ પૂછો- ~
પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા
એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા
દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા
આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા
છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા
ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment